ઊંઝા જોડણીઃ ગુજરાતીની તોડણી

ગુજરાતીને ચાહું છું પણ

ખાટલે મોટી ખોડ

એ છે કે

ઊંઝા જોડણીમાં જ લખી શકું છું.

 

મારા બ્લોગ પર તો હું ઊંઝામાં લખું છું પણ

ખાટલે મોટી ખોડ

એ છે કે

બીજાના બ્લોગને પણ હું ઊંઝામાં ફેરવવા માગું છું.

 

સત્ય સાપેક્ષ હોઈ શકે એમ માનું છું પણ

ખાટલે મોટી ખોડ

એ છે કે

મારું સત્ય જ સનાતન સત્ય છે એવું બધાને ઠસાવવા માગું છું.

 

(આ કવિતા મોક્લવા બદલ કમલ કાસુંદરાનો આભાર)

 

 

Advertisements

પરદેશમાં વસતા સાહિત્ય રસિકોએ મોકલેલી ગરબાના (અથવા લોકગીતના) ઢાળમાં ઊંઝામાતાને ખમાવતી કવિતા. (એક બ્લોગર મિત્રના મતે આ કવિતામાં કાફિયા છે, રદીફ છે, ગઝલિયત છે ; બસ છંદ સચવાયો નથી એટલે આ કવિતા ગઝલ બનતા બનતા રહી ગઈ). વારુ, જે થયું સારુ થયું! ઊંઝાના આતંકવાદથી ખરડાયેલી ગુજરાતી ભવિષ્યમાં કદાચ નાશ પામશે પણ ઊંઝા જોડણીના ખોફને ખડું કરતું આ લોકગીત લોકોના મોઢે સદીઓ સુધી રમતું રહેશે……

 

પાડાના પૂંછડાની પોંખણી

 

ઊંઝા તે જોડણી કાંઈ જોડણી છે?
લિપિની લોહિયાળ તોડણી છે!

ઈકડે તીકડે જેવું લાગે ઊપરથી,
મરાઠીના મહોરામાં કોંકણી છે.

o ઊંઝા તે જોડણી કાંઈ જોડણી છે? લિપિની લોહિયાળ તોડણી છે!

સુહાગરાતના દુલ્હનને છોડી,
રખાતને રાતની સોંપણી છે.

o ઊંઝા તે જોડણી કાંઈ જોડણી છે? લિપિની લોહિયાળ તોડણી છે!

ઊડઝૂડ પવનની થપાટમાં આમતેમ,
ફંગોળાતી ફાટેલી ઓઢણી છે.

o ઊંઝા તે જોડણી કાંઈ જોડણી છે? લિપિની લોહિયાળ તોડણી છે!

મજૂર બેઠો પગ ચડાવીને માથે,
ખાડે ખૂંપેલી એની ખોદણી છે.

o ઊંઝા તે જોડણી કાંઈ જોડણી છે? લિપિની લોહિયાળ તોડણી છે!

વાઈ ચડી વાયડી તે પછડાટો ખાય છે,
લોક પડતું પગમાં, માને જોગણી છે.

o ઊંઝા તે જોડણી કાંઈ જોડણી છે? લિપિની લોહિયાળ તોડણી છે!

ગુજરાતીના મોઢે ગોબર લીંપે પંડિતજી,
પાડાના પૂંછડાની પોંખણી છે.

o ઊંઝા તે જોડણી કાંઈ જોડણી છે? લિપિની લોહિયાળ તોડણી છે!

 

 

***

પાઘડીનો વળ છેડેઃ

આ એક કાલ્પનિક હાસ્ય/વ્યંગ કાવ્ય છે. આમાં આવતા પાત્રો કે ઘટનાઓ સંજોગોવશાત ચોક્કસ બિન-અતંકવાદી વ્યક્તિઓ , સંગઠનો કે પરિસ્થિતિઓને મળતા/ભળતા જણાય તો તેમણે બંધ બેસતી પાઘડી પહેરી લેવી નહી. ખાલીખોટા ઉત્તેજિત થઈ બ્લડ-પ્રેશર વધારવું નહીં. આજકાલ સ્ટ્રોકની જવાબદારી આડેધડ થતા  નમકના ઉપયોગ પર ઢોળી દેવામાં આવે છે.

 

(અન્ય લોકવાચાની જેમજ આ કવિતાને કોઈ શિર્ષક અપાયું નહોતુ. કવિતાનું શિર્ષક બ્લોગ સંચાલકોએ આપ્યું છે.)

ધન્યવાદ મિત્રો!

ઊંઝા જોડણીના આતંકવાદથી લોકોને માહિતગાર કરવા બદલ આ બ્લોગના સંચાલકોને ટૂંકા સમયમાં અનેક નામી અનામી વ્યક્તિઓના શુભેચ્છા સંદેશ મળ્યા છે.  તમારા બધાના સહયોગ બદલ ધન્યવાદ. સાચો ગુજરાતી (કે સાચી ગુજરાતણ) અને સાર્થ મુજબ લખવાનો પ્રયત્ન કરતી દરેક વ્યક્તિ આ બ્લોગની માલિક છે.  જે કોઈએ અમને  ઊંઝાના  જોડણી ઉપર જોકસ, કવિતાઓ, રમૂજી ટૂચકાઓ, કટાક્ષ લેખો મોકલ્યા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર. અમે ખાત્રી આપીએ છીએ કે ઊંઝાના આતંકવાદીઓથી બચાવવા તમારું નામ ગુપ્ત રાખવામાં આવશે. તમારી રચનાઓ અનામી તરીકે અથવા તમારા ઉપનામે પ્રગટ કરવામાં આવશે.

તાજા સમાચારઃ

પરદેશમાં રહી ગુજરાતીને પ્રેમ કરતા એક સાહિત્ય વર્તુળને આ બ્લોગમાં રસ પડ્યો છે એ આ બ્લોગની પહેલી સફળતા છે. એ સાહિત્ય વર્તુળના સભ્યો નિયમિત રીતે ભેગા થાય છે અને સાહિત્યને સેવે છે. તો આવી એક બેઠક દરમ્યાન પાંચ-છ સાહિત્ય રસિક વ્યક્તિઓએ ભેગા મળીને જોડણી ઉપર મસાલેદાર કવિતા મોકલી છે. સલામ છે એ જોડણીપ્રેમી સાહિત્ય રસિકોને !!!

તો મિત્રો,  રાહ જુઓ – હવે પછીની દિલ-ધડક પોસ્ટનો,  પ્રગટ થશે ગણતરીના દિવસોમાં!

બ્લોગ પર નજર નાખતા રહેજો અને કેહેવાજોગું કહેતા રહેજો.

 

ફરી એક વાર, તમારા તરફ્થી આ બ્લોગ માટે  કાંઈ પણ મોકલવું હોય તો બિન્ધાસ્ત મોક્લી શકો છો.

અમારું સંપર્ક સૂત્ર છેઃ

 

ઈ-મેઈલઃ unjhajodani@gmail.com

 

હમણાં એક મિત્રે ગુજરાતી પોએટ્રી કોર્નરમાં પોસ્ટ થયેલી ઈ-મેઈલ ફોરવર્ડ કરી. એ ઈ-મેઈલ આમ તો એક વાંઝણી હૈયાવરાળ જ હતી, પણ એ ઈ-મેઈલનું મથાળુ [subject] બહુ વિચિત્ર હતું- આંખને ખટકે અને મગજમાં સણકો વાગે એવું!  એ મથાળુ આ પ્રમાણે હતું:

‘ગુજરાતી બ્લૉગજગતને પણ આભડછેટનો એરુ આભડી ગયો છે?’

આના પર શાંતિથી વિચાર કરતા લાગ્યું કે વાતમા દમ છે . લાગ્યું કે આ દમવાળી વાત દરેક દમામદાર બ્લોગર અને વાચક સુધી પહોંચવી તો જોઈએ.

તો વાચક મિત્રો, ગુજરાતી બ્લોગ જગતને કયો ખતરનાક એરુ આભડી ગયો/રહ્યો છે ?

મારો,

મારા અનેક બ્લોગર મિત્રોનો,

ગુજરાતી સાહિત્ય પરિષદનો,

ગૂજરાત વિદ્યાપીઠનો,

ગુજરાતી વર્તમાન પત્રોનો,

ગુજરાતી ભાષાના 99.99% પ્રોફેસરો, વિદ્વાનો અને સાહિત્યકારોનો,

ગુજરાતી પાઠ્ય પુસ્તક મંડળનો,

ગુજરાતના છ કરોડ લોકો સહિત સમગ્ર વિશ્વમાં વસતા દરેક સાચા ગુજરાતીનો,

ગુજરાતી સમજતા, બોલતા દરેક પશુ, પંખી, સૂક્ષ્મજીવોનો,

એક જ જવાબ છે….

અને એ જવાબ છે:

ગુજરાતી ભાષા સહિત ગુજરાતી બ્લોગ જગતને ઊંઝા જોડણીનો એરુ આભડી ગયો/રહ્યો છે!

—————————————

વાચકો, મારે એ ઈ-મેઈલ લખનાર સાથે તમને બધાને કહેવું છે કે આ ઊંઝા જોડણી પોતે જ કાતિલ ઝેરથી ભરેલો આભડછેટનો એરુ છે. એનું કારણ પણ દીવા જેવું ચોખ્ખું છેઃ

ઊંઝા જોડણી (એના પ્રચારકો/સમર્થકો દ્વારા) ગુજરાતી ભાષામાં આભડછેટ ફેલાવવાનું કામ કરી રહી છે.  હૃસ્વ ‘ઇ’ અને દીર્ઘ ‘ઊ’ ને લખાણમાંથી કાઢી મૂકવા, એમની સાથે ઓરમાયું અને ભેદભાવ ભરેલું વર્તન કરવું એ શું છે? કક્કા-બારાખડીના દરેક સભ્યનું ગુજરાતી ભાષામાં ચોક્કસ સ્થાન છે અને માન છે. એમની સાથે ઊંઝા જોડણી દ્વારા થતું આવું આભડછેટ ભર્યું વર્તન ગુજરાતી ભાષાને કલંકિત કરનારું છે

તમારે ગુજરાતીને જીવાડવી છે?


જો હૃદયમાંથી ‘હા’ નીકળી હોય

તો 

આજનું સોનેરી સૂત્ર નોંધી લો:

 

[[ ઊંઝા જોડણી = ગુજરાતી ભાષા પર ‘મરણતોલ’ પ્રહાર ]]

 

ને તો તમારા મિત્રોને આ સૂત્ર તરત જ ઇ-મેઈલ કરી દો.

બ્લોગ મુલાકાત

  • 219 વાર

નવા પ્રતિભાવ

Advertisements